Bihar Darbhanga News : બિહારના દરભંગામાં એક માસૂમ બાળકી સાથે થયેલી હેવાનીયતે ફરી એકવાર માનવતાને શર્મસાર કરી દીધી છે. 6 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના આ મામલે સમગ્ર પંથકમાં ભભૂકી ઉઠેલા રોષે વહીવટીતંત્રના પણ હોશ ઉડાવી દીધા છે. આ મામલે વિકાસ મહતો નામના 22 વર્ષીય નરાધમની ધરપકડ કરી લેવામાં આવી છે.
લોહીલુહાણ લાશ અને જનતાનો ન્યાય: દરભંગાની હૃદયદ્રાવક ઘટના
બિહારના દરભંગા જિલ્લામાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના બેલામાં શનિવારે રાત્રે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવામાં આવી હતી. બાળકી તેના મોસાળમાં રહેવા આવી હતી, જ્યાંથી શનિવાર સાંજથી તે ગુમ હતી. મોડી રાત્રે ગામની બહાર તળાવ પાસે કૂતરાઓના ભસવાનો અવાજ આવતા પરિજનો ત્યાં પહોંચ્યા, જ્યાં દીવાલ પાસે બાળકીની લોહીલુહાણ લાશ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ ત્રણ બાળકીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી બે ભાગી છૂટી હતી પણ આ કમનસીબ બાળકી નરાધમના હાથમાં આવી ગઈ હતી.


